Thursday, May 08, 2014

ડફેરના ઘરે જન્મ્યા છે એટલે રંજાડવાનું? આ ક્યાંનો ન્યાય? પોલીસ સમાજની રક્ષક છે કે ભક્ષક?

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના ભલગામડાગામમાં સીમરખોપું કરતા ડફેર પરિવારના ૩ વ્યક્તિને સુરેન્દ્રનગર પોલીસ તા. ૧૯ એપ્રિલ ૨૦૧૪ના રોજ સાંજના ૬ વાગે કોઈ પણ ગુના વગર પકડીને લઇ ગઈ. જે ત્રણ વ્યક્તિને પકડીને પોલીસ લઇ ગઈ હતી એમાંના ઈસ્માઈલભાઈને પોલીસે એક જગ્યાએ ગાડી ઊભી રાખી ઉતારીને માર્યા પછી કહ્યું,
હથિયાર લઇ આવ?’
ઈસ્માઈલભાઈ એ કહ્યું, ‘સાહેબ મારી પાસે હથિયાર નથી તો કયું હથિયાર લાવું?’
ગમે ત્યાંથી લઇ આવ.
આટલું કહી ઈસ્માઈલભાઈને પોલીસે ત્યાં ઉતારી દીધા અને ૧૫ વર્ષીય હનીફ અને ૨૧ વર્ષીય સદામને સાથે લઇ ગઈ. બે છોકરાને લઇ જઈએ તો ઈસ્માઈલભાઈ ગમે ત્યાંથી હથિયાર લઈને આપશે તેવી આશા સાથે તેમણે આ કૃત્ય કર્યું. પણ ઈસ્માઈલભાઈ પાસે હથિયાર હોય તો પોલીસને આપે ને? રાતના ૧૧ વાગે હનીફની માં ફતીમાંબેનનો ફોન આવ્યો. ફોનમાં ખૂબ રડે, ‘મારા છોકરાંઓનો કંઈ વાંક ગુનો નથી છતાં પોલીસ પકડીને લઇ ગઈ છે. એમને ખૂબ મારશે. એ પોલીસનો માર સહન ના કરી શકે બેન એને બચાવી લો.હું અડધી રાતે શું કરું? મેં DGP, DSP-સુરેન્દ્રનગર, કલેકટર સુરેન્દ્રનગરને email લખ્યો પણ કોઈ જવાબ નહિ. રવિવાર આખો એક ઉચાટમાં ગયો. મન અશાંત થઇ ગયું હતું. પોલીસ ડફેર ઉપર જે રીતે ત્રાસ વર્તાવી રહી છે તે સમજાતું નથી. હું એમ નથી કહેતી કે, બધા ડફેર સારા જ છે. લુંટ નથી કરતા પણ બધા નથી કરતા એ પણ હકીકત છે! છતાં આખા સમુદાયને જે રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે તે ગેરબંધારણીય છે.
DGP સાથે આ સમુદાયની એક બેઠક કરવા બાબતે અમે બે મહિના પહેલા લખ્યું. સમાજ સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત ડફેર સમાજ સાથે બેઠક કરવા અંગે લખ્યું પણ આજ સુધી આ બાબતે કોઈ જવાબ મળ્યો નથી. અહીં પ્રશ્ન થાય છે કે, જે નિર્દોષ છે સખત મહેનત કરી જીવે છે એને વગર વાંકે ફક્ત ડફેરના ઘરે જન્મ્યા છે એટલે રંજાડવાનું? આ ક્યાંનો ન્યાય? પોલીસ સમાજની રક્ષક છે કે ભક્ષક?
તા.૨૧ એપ્રિલના રોજ લીંબડી કોર્ટમાં સુરેન્દ્રનગર પોલીસના આ વર્તન વિષે ફરિયાદ કરી. ન્યાયાધીશે PI LCB અને SP સુરેન્દ્રનગરને શોકોઝ નોટીસ પાઠવી અને પરમ દિવસે(તા.૨૩ એપ્રિલ ૨૦૧૪)ના રોજ હાજર રહેવા કહ્યું.
હાલની માહિતી પ્રમાણે આજે(૨૨/૦૪/૨૦૧૪) LCBએ સદામને લીંબડી પોલીસને સોંપી દીધો. પોલીસ સદામને વસાહતમાં લઈને ગઈ અને ડંગાની ઝડતી લીધી. કશું હાથમાં ન આવ્યું. સાંજે ૫:૦૦ વાગે પોલીસે સદામને કોર્ટમાં હાજર કર્યો અને ગેરકાયદેસર હથિયાર હોવાનો કેસ મુક્યો. કોર્ટે એના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
આ બધામાં એને ગેરબંધારણીય રીતે ૭૨ કલાક સુધી ગોંધી રાખવામાં આવ્યો એની તો કોઈ નોંધ જ ન લેવાઈ! પોલીસે પણ હેરાફેરી કરી ૨૪ કલાકની લીમીટ બતાવી સદામને હાજર કર્યો પણ ૧૫ વર્ષના હનીફ નો હજુ કોઈ અતોપત્તો નથી કારણ કે એ જુવેનાઇલ એક્ટ હેઠળ આવે..
ફોટોમાં હનીફ અને સદામનો પરિવાર vssm કાર્યકર સાથે (ફાઈલ ફોટો)

No comments:

Post a Comment