Tuesday, August 13, 2013

વાદી – મદારીનું પુનર્વસન ક્યારે..

વિચરતી જાતીમાંના વાદી - મદારી જેઓ સાપના ખેલ બતાવી લોકોનું મનોરંજન એક અર્થમાં લોકશિક્ષણનું કામ કરતા હતા. જયારે ટી.વી. નહોતા ત્યારે આજ વાદી – મદારી લોકોને કયો સાપ ઝેરી અને કયો બિનઝેરી તે સમજાવતા.  હું સાપની જાતોને થોડા ઘણા અંશે ઓળખુ છું એ વાદી- મદારીના લીધે. મેં એમના લોક શિક્ષણના જે મનોરંજનના ખેલ તરીકે ઓળખાય છે તે જોયા છે પરંતુ, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ કાર્યાન્વિત થતા આ સમુદાયોનો વ્યવસાય પડી ભાગ્યો છે. બીજા કોઈ વ્યવસાયની આવડત નથી. અને સરકારે આ સમુદાયનું પુનર્વસન કર્યું નહી. એટલે આજે મોટા ભાગના વાદી- મદારી ભીખ માંગે છે તો સાધુ-બાવાના વેશ ધારણ કરીને લોકોને ધૂતે છે.( આ કરવું એમની મજબૂરી છે). દેખીતી રીતે એમની કોઈ જમીન નથી ગઈ એટલે એમને વળતર પણ નથી મળ્યું ના તેમનું પુનર્વસન થયું. તમિલનાડુ સરકારે વાદી પરિવારોનું પુનર્વસન ખુબ સારી રીતે કર્યું છે. જેમાં કેટલાકને વેનમ બેંક સાથે જોડી સાપનું ઝેર કાઢવાનું લાયસન્સ આપ્યું છે તો કેટલાક પરિવારોની વસાહતોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યા છે જ્યાં પ્રવાસીયો મુલાકાતે જાય છે અને વાદી પરિવારો એમને સાપ કેવી રીતે પકડવો, સાપની કઈ જાતો છે ઝેરી - બિનઝેરી સાપ કયા છે તે બતાવે છે. બહેનો ભરતગુંથણ કરે છે અને તમના દ્વારા બનાવેલી વસ્તુ તેઓ વેચે છે.

અમદાવાદમાં સાપના શો (snake show) સુંદરવનમાં બતાવવામાં આવે છે. જ્યાં આખા ગુજરાતના બાળકો આવી શકવાના નથી. તો દરેક બાળકના ઘેર ટી.વી. છે અને તેમાં ડીસ્કવરી ચેનલ છે એવું પણ નથી ત્યારે તમિલનાડુની જેમ ગુજરાતમાં પણ મદારીની વસાહતોમાં આવા snake park બનાવવામાં આવે તો ઘણા લોકોને કામ મળે. સાથે સાથે વેનમ બેંક સાથે થોડા પરિવારોને જોડવામાં આવે તો પણ તેમને રોજગારી મળી રહે.

વાદી સમુદાયનું જ્ઞાન જડીબુટ્ટી તથા અન્ય ઝાડ- પાનમાં બાબતે પણ છે. હું તેમને પ્રકૃતિ શિક્ષક કહીશ. આપણી શાળાઓ હવે વર્ગખંડ પુરતી સીમિત થઇ ગઈ છે ત્યારે તોતોચાનની જેમ બાળકોની કલ્પના શક્તિ ખીલે એ માટે પણ વાદી યુવાનોને પ્રકૃતિ શિક્ષક તરીકે ૧૦ થી ૧૫ શાળાઓ વચ્ચે ગોઠવવામાં આવે તો બાળકોને બાહ્ય જ્ઞાન મળશે અને વાદી લોકો ને કામ અને સૌથી મોટું એમણે કોઈને ધૂતવા નહિ પડે.
ફોટોમાં બાબાનાથ વાદી મોરલી સાથે. આમ તો મોરલી સાથે સાપ હોય જ પણ હવે સાપ નથી રહ્યા ...