Saturday, December 21, 2013

દિયોદરમાં વિચરતા સમુદાયોના પ્રશ્નો સંદર્ભે આયોજિત ચિંતન શિબિરનો અહેવાલ


ભાભર તાલુકાના સુથારનેસડી ગામમાં ભરથરીના ૮ પરિવારો છેલ્લા ૧૦ વર્ષથી રહે છે. આ પરિવારો પાસે મતદારકાર્ડ, રેશનકાર્ડ વગેરે જેવા કોઈ આધારો નહોતા. આપણે આ પરિવારોને મતદારકાર્ડ મળે તે માટેની પ્રક્રિયા ૧ વર્ષ પહેલા શરૂ કરી. ગામલોકોને આ અંગે ખ્યાલ આવ્યો એટલે ગામે વિરોધ કર્યો. આપણે સ્થાનિક કચેરી પર ખૂબ દબાણ કર્યું. જેના કારણે ચુંટણી અધિકારીને આ પરિવારોના કાર્ડ આપવા પડ્યા. કાર્ડ મળ્યા એટલે ગામલોકોએ વકીલ રોકીને એનો વિરોધ કર્યો. એમણે કહ્યું, આ પરિવારો અમારા ગામના નથી. ખેર બધુ પાર પડ્યું. રેશનકાર્ડ પણ નીકળ્યા. હવે ગામલોકો આ પરિવારોને ખૂબ હેરાન કરે છે ગામ ખાલી કરીને જતા રહેવા રોજ દબાણ કરે છે.
  


આપણા કાર્યકર નારણભાઈ જે આ પરિવારો સાથે સંઘર્ષમાં સતત સાથે છે. ૨૦ દિવસ પહેલા આ પરિવારો નારણભાઈ પાસે આવ્યા અને કહ્યું, ‘ નારણભાઈ અમારે આ ગામમાં નથી રહેવું તમે કાંઈ ના કરો. અમે ખૂબ હેરાન થઈએ છીએ. અમે જે હાલતમાં છીએ એમ જ અમને રહેવા દો’.

નારણે અને આપણે આ પરિવારોને સમજાવ્યા કે, “ તમે જે પણ જગ્યા વસવાટ માટે પસંદ કરશો ત્યાં બધી જ જગ્યાએ સંઘર્ષ છે તમારે આ બધું સ્વીકારવું જ પડશે અને મક્કમતાથી જવાબ આપવો પડશે.” આ પરિવારો ગામમાં પરત ગયા રાતના સરપંચ અને ગામના અન્ય લોકો આ પરિવારો પાસે જઈ ગામ ખાલી કરી જતા રહેવા ધમકી આપવા લાગ્યા. ત્યારે આ પરિવારોએ મક્કમતાથી કહ્યું કે, ‘ અમે ગામ ખાલી નહી કરીએ. તમારે મારી નાખવા હોય તો મારી નાખો.’
સરપંચ માટે આ ઘણું મોટું આશ્ચર્ય હતું, જે લોકો હાથ જોડીને ઉભા રહેતા તે હવે હિમંતથી બોલતા થયા છે. આ ઘટના પછી આપણા કાર્યકર નારણ ઉપર આ પરિવારોને મદદ નહી કરવાનું દબાણ વધ્યું જેમાં રૂ. ૧૦,૦૦૦ સુધીની લાંચ આપવાની પણ વાત થઇ. નારણના ઘરે સરપંચ અને ગામલોકો આવીને દબાણ કરવા લાગ્યા છે.

કાકરમાં રહેતા વાદી પરિવારોની વાત જરા જુદી છે. વાદી વસાહતમાં ૨૧૪ પરિવારો રહે છે. વસાહત ગામથી ૩ કિ. મી. દુર છે. આ વસાહતમાં સરકારે પાણીની સુવિધા કરી હતી પરંતુ, પાણી થોડો સમય આવ્યા પછી બંધ થઇ ગયું હતું. વારંવારની રજૂઆત છતાં પાણીની કોઈ સુવિધા થતી નહોતી. આપણે મહિના પહેલા કલેકટર શ્રી તથા માનવ અધિકાર પંચમાં લખ્યું. જેના અનુસંધાને આપણને જવાબ આપવામાં આવ્યો કે, ‘ તલાટીએ રૂબરૂ તપાસ કરી છે હવે પાણીનો કોઈ પ્રશ્ન નથી, પાણી મળે છે.’ તલાટીનો આ જવાબ તદ્દન ખોટો હતો. આ જવાબની સામે ફરીથી કલેકટરને લખ્યું અને અધિકારિઓની આખી ટીમને વસાહતની મુલાકાત લેવા કહ્યું. અધિકારિઓ મુલાકાતે આવવાના છે તેવી સરપંચ અને તલાટીને માહિતી મળી એટલે રાતો રાત પાણી શરૂ કરી દેવામાં આવ્યું. ગઈ કાલે હું કાકર જવાની હતી એ માહિતી સરપંચને મળી, એમને ખબર નહોતી કે હું કોણ છુ પણ કોઈ બહેન ગાંધીનગરથી આવવાના છે એવો ખ્યાલ આવતા તેમણે પાણીની ટાંકીમાં પાણી નાખ્યું, નવી પાઈપલાઈન નાખી. અહી ખાસ ઉલ્લેખ કરવા જેવો છે કે, આ પાણીની ટાકીમાં ટાંકી બન્યા પછી પહેલીવાર પાણી નાખવામાં આવ્યું. આ વસાહતના ઘણા પ્રશ્નો છે. સરકારે ૧૦૦ ઘર બનાવ્યા છે પણ રોડની કોઈ સુવિધા નથી. વાદી પરિવારો કામ ધંધા અર્થે ઘણું ખરું તો ભીખ માંગવા માટે બહાર જતા રહે છે તે દરમ્યાન તેમના બાળકો જેઓં ભણે છે તેમના રહેવાની કોઈ સુવિધા નથી. રેશનકાર્ડ વગેરે જેવા ઘણા પ્રશ્નો છે.
સુથારનસેડી અને કાકરગામની એક ઘટના અહી લખી છે. આવા જ દબાણમાં જીવતા બનાસકાંઠા જીલ્લાના દિયોદર , ભાભર અને કાંકરેજ તાલુકામાં વસતા વિચરતા સમુદાયોની એક બેઠક તા. ૨૦ ડીસેમ્બર ૨૦૧૩ના રોજ યોજાઈ ગઈ. જેમાં ૨૦૦ ઉપરાંત લોકો હાજર રહ્યા. સૌનો એક જ પ્રશ્ન હતો કે, ‘ વર્ષોથી કોઈ ગામમાં રહીએ છીએ, હા કામ ધંધા માટે બહાર જઈએ પણ વળી પાછા ત્યાં જ આવીને રહીએ છતા ગામના બીજા લોકોને જે અધિકારો મળે તે અમને કેમ મળતા નથી.’

વિચરતા સમુદાયો સાથેની બેઠકમાં થયેલી ચર્ચાના કેટલાક મુદ્દા નીચે પ્રમાણે છે.

(૧) વર્ષોથી ગામમાં રહીએ છીએ છતાં અમને ગામના ગણવામાં આવતા નથી અને એટલા માટે અમારા સુધી કોઈ સરકારી લાભ પહોંચતા નથી.
(૨) અમે ગરીબ છીએ છતાં બી.પી.એલ. યાદીમાં અમારા નામ નથી. ગ્રામસભામાં બી.પી.એલ. નક્કી થાય પણ અમને ગ્રામસભામાં બોલાવવામાં જ આવતા નથી! .
(૩) પીવાના પાણીની સુવિધા નથી.
(૪) રેશનકાર્ડ એ.પી.એલ. છે. એટલે અનાજ મળતું નથી.
(૫) અધિકારીઓને રજૂઆત કરીએ છીએ પણ કઈ થતું નથી.

ઉપરોકત ચર્ચામાંથી નીકળેલા મુદ્દા સંદર્ભે વિચરતા સમુદાયના લોકો સાથે નીચે મુજબનું આયોજન કરવામાં આવ્યું.  

(૧)  દરેક  વસાહતોના પ્રશ્નો ની વિગતો તૈયાર  કરવામાં આવે  અને તે વિગતોના આધારે કલેકટર શ્રીનો સમય માંગી વિગતો તેમને આપવી તથા આ વિગતોના આધારે વિચરતા સમુદાયના લોકોની એક બેઠક કલેકટર શ્રી સાથે કરવાનું આયોજન કરવું.
(૨) મહિનામાં એક વખત કલેકટર શ્રીના અધ્યક્ષ સ્થાને વિચરતા સમુદાયના પ્રશ્નો સંદર્ભે જ એક બેઠકનું આયોજન કરવાની માંગ કરવી.
(૩)કલેકટર શ્રીને વિગતો આપ્યા પછી કંઈ કામ થાય છે કે કેમ તે જોવું અને ત્રણેક મહિનામાં કોઈ કાર્યવાહી નથી થતી તો વિચરતા સમુદાયના ૫૦૦ ઉપરાંત માણસોએ ભેગા થઈને કલેકટર શ્રીને મળવા જવું અને આગળની રણનીતિ સૌએ સાથે મળીને નક્કી કરવી.