રાજકોટના જામનગર રોડ પર રાયધનભાઈ દેવીપૂજક પોતાના દીકરા મહેશ અને પત્ની સાથે ઝુપડુંમાં રહે. પત્ની કાગળ વીણવાનું કામ કરે અને રાયધનભાઈ છૂટક મજૂરી કરે. રાયધનભાઈનો મોટો દીકરો રાજુ આજથી છ વર્ષ પહેલા ગંભીર બીમારીથી મૃત્યુ પામેલો.
પંદર દિવસ પહેલા vssm ના કાર્યકર કનુભાઈ રાજકોટ કલેકટર કચેરીમાં વિચરતી જાતિના પ્રશ્નો સંદર્ભે રજૂઆત માટે જઈ રહ્યા હતા. તેઓ જે શટલ રીક્ષામાં બેઠા એમાં રાયધનભાઈ અને તેમની પત્ની તેમના બીમાર દીકરા મહેશ સાથે બેઠા હતા. તેમની પત્નીના ખોળામાં મહેશ હતો અને તે રડી રહ્યા હતા. કનુભાઈએ આ પરિવારને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે ખબર પડી કે ૮ વર્ષના દીકરાની કિડનીમાં પથરી છે અને તેના ઈલાજના પૈસા આ પરિવાર પાસે નથી. સરકારી દવાખાનામાં બી.પી.એલ. યાદી હોય તો બધૂ માફ થાય એવો જવાબ મળ્યો હતો પણ આ પરિવાર પાસે તો આ દેશના નાગરિક તરીકેનો કોઈ આધાર જ નથી. શહેરમાં ફૂટપાથ પર બાંધેલું ઝુપડું દર છ મહીને વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવે છે. આવામાં મતદારકાર્ડ રેશનકાર્ડ ક્યાં સરનામાનું બનાવવાનું! મોટો દીકરો રાજુ પણ આવી જ કોઈ બીમારીમાં મૃત્યુ પામેલો. રાજુની દવા માટે સગા-વહાલા પાસેથી ઉછીના પૈસા લીધેલા પણ સમયસર ભરી ન શકવાના કારણે મહેશની બીમારીમાં સગાઓમાંથી કોઈએ મદદના કરી.
મહેશની દશા ખૂબ ખરાબ હતી. કનુભાઈ કલેકટર કચેરી જવાના બદલે આ પરિવારને લઈને સરકારી દવાખાને ગયા. મહેશની તપાસ કરાવી. ડોકટરે ૨૨ જાન્યુઆરી ૨૦૧૪ ના રોજ ઓપરેશન માટે દાખલ થવા કહ્યું. પણ મહેશની હાલત ખૂબ ખરાબ હતી. એ જે રીતે હેરાન થઇ રહ્યો હતો તે જોતા એને તત્કાલ સારવાર મળવી ખૂબ જરૂરી હતી.
રાજકોટ સ્થિત દેવ હોસ્પીટલના ડૉ. નીલેશ નિમાવત જેઓ આપણા કામોમો સતત મદદરૂપ થાય છે. તેમની સાથે ગઈ કાલે (તા.૧૭/૧/૧૪) મહેશની સ્થિતિ અંગે વાત કરી. એમણે મહેશને લઇ હોસ્પિટલ આવવા કહ્યું. મહેશને તપાસી એમણે મહેશને દાખલ કરવા કહ્યું અને સાંજે એનું ઓપશન કર્યું.
ઘણા લાંબા સમયથી પથરીની પીડાથી હેરાન થતા મહેશને ડૉ. નીલેશ નિમાવતની મદદથી મુક્તિ મળી. મહેશ અને vssm પરિવાર ડૉ. નીલેશ નિમાવતના સદાય આભારી રહેશે. વંચિત અને ગરીબો માટે આ પ્રકારે સૌ નિસ્બત દર્શાવે તો કોઈ માં – બાપે પોતાનું બાળક ગુમાવવું ના પડે....
ફોટોમાં ઓપરેશન પછી મહેશ..