Friday, April 18, 2014

વિચરતા સમુદાયોને પગભર કરવાના પ્રયાસો.....

ખેતીની સિઝનમાં ખેડૂત ખેતરમાંથી ધાન ઘરે લાવે એ વખતે ભરથરી, બજાણિયા, રાવળ વગેરે જેવી વિચરતી જાતિના લોકો બાંધેલા ગરાસના ગામોમાં ખેડૂતોના ઘરે જતા અને તેમને સૌ માનભેર એમનો હક છે, એમ માની અનાજ આપતા. પણ હવે જમાનો બદલાયો છે લોકો હવે આ પરિવારોને મહેનત કરીને ખાવા કહે છે. જમાનાને ધ્યાનમાં રાખી આ પરિવારોએ પણ યાચક બનવા કરતા સ્વતંત્ર વ્યવસાયો પસંદ કરવા માંડ્યા છે.

બનાસકાંઠાના દિયોદરમાં રહેતા જેઠાભાઈ ભરથરી રાવણહ્થ્થો વગાડી યાચવાનું કામ કરતા. પરંતુ, ઉપર જણાવ્યા પ્રમાણે લોકો મહેનત કરી કમાવવાની સલાહ આપ્યા કરે, આખરે તેમણે યાચવાનું બંધ કરવાનું નકકી કર્યું. એમણે શૃંગારપ્રસાધનો વેચવા માટે લારીની મદદ કરવા આપણને અરજી કરી. એમણે કહ્યું, ‘મારે લારી મફત નથી જોઈતી, હું તમને હપ્તે હપ્તે પૈસા પાછા આપીશ.’ સામે ચાલીને મહેનત કરવાની કોઈ વાત કરે તો એ સમયે એને મદદ કરવી જોઈએ તેવું vssm માને છે. એટલે આપણે જેઠાભાઈને લારી આપવાનું નક્કી કર્યું.

આપણે આ પરિવારને રૂ.૫૫૦૦ ની લારી આપી. આ લારીમાં જેઠાભાઈએ શૃંગાર પ્રસાધનો વેચાવનું શરુ કર્યું છે. જેમાં તેમને રોજના રૂ. ૨૦૦ થી રૂ. ૨૫૦ સુધીનો નફો થાય છે. જેઠાભાઈ ખૂબ ખુશ છે. તેઓ કહે છે કે, ‘વગર વ્યાજે કોઈ આ રીતે મદદ કરે! સંસ્થાએ અમારા પર ભરોષો મુક્યો છે. અમે એ ભરોષો કાયમી રાખીશું. મારા ઘરમાં સૌ ખૂબ રાજી છે.’ જેઠાભાઈ દર મહીને લારીના હપ્તા પેટે રૂ. ૫૦૦ પરત આપે છે. આ રકમ પરત આવતા આપણે બીજા પરિવારોને પણ  રોજગારલક્ષી પ્રવૃત્તિ માટે મદદ કરીશું. 

આજ રીતે દિયોદરમાં રહેતા ચેતનભાઈ કાંગસિયા અને શ્રવણભાઈ કાંગસિયા પણ છૂટક મજૂરી કરતા જેમાં તેમને કાયમી કામ મળે અને ના પણ મળે તેવું થતું. એમણે vssm પાસે લારીની માંગણી ગંજબજારમાંથી સામાન ભરી જેતે દુકાને પહોંચાડવાનું કામ કરવા માટે કરી. આપણે આ બંને ભાઇઓને લારી આપી. તેઓ રોજના રૂ. ૩૦૦ કમાઈ લે છે. ચેતનભાઈ કહે છે, ‘અમે સંસ્થાથી પરિચિત ખરા. પણ જયારે ધંધા માટે લારીની મદદ કરવાની વાત કરવાનું નક્કી કર્યું ત્યારે હતું કે, વ્યાજ આછું લે તો સારું. પણ સંસ્થાએ તો અમને વગર વ્યાજે લારી આપી. આ અમારા માટે નવાઈની વાત હતી. અત્યારે તો સૌને વ્યાજવા રૂપિયા ફેરવવામાં જ રસ છે એમાં અમારા જેવા ગરીબો પર ભરોષો મૂકી અમને મદદ કરી એ માટે સંસ્થાનો આભાર માનીએ છીએ...’

દિનેશભાઈ રાવળ પણ લારીની માંગ કરી અને એમને ફ્રુટની લારી દિયોદર બસ સ્ટેશન પાસે કરી. તેઓ લારીનો ઉપયોગ ફ્રુટ વેચવાની સાથે સાથે બસમાં આવતા સામાનને ઉતારી બીજી જગ્યાએ પહોંચાડવામાં પણ કરે છે. આમ તેઓ પણ રોજના રૂ.૩૦૦ કમાઈ લે છે.

ઉપરોક તમામ વ્યક્તિ દર મહીને રૂ.૫૦૦ આપણને પરત આપે છે. વિચરતા સમુદાયને માનભેર રોજગારી મળે તે માટે મદદરૂપ થનાર ‘સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા’(SBI) તથા આદરણીય શ્રી ભારતીબેન પ્રજાપતિના આભારી છીએ. આ દાતાઓ તરફથી મળેલું અનુદાન રોજગારલક્ષી પ્રવૃતિમાં ખર્ચાય છે.  મફતનું નહિ લેવાની ભાવના રાખવાવાળા આવા હજારો પરિવારોને આપણી મદદની જરૂર છે. સાથે મળી સમાજ ઘડતરના આ કામમાં થવાની આશા સાથે...




No comments:

Post a Comment